ફકીર સાથે ભાવતાલ ન કર. કોક બીજું ય વસે છે અહીંયાં. અહીંયાં તુ આટલી ધમાલ ન કર. કેમ કે તુ નથી તારી મિલકત દોસ્ત તારામાં ગોલમાલ ન કર. તું નથી જાણતો ક્યાં જાય છે તું, આટલી તેજ તારી ચાલ ન કર. લોક માલિકને ભૂલી બેસે, સંત તું એટલી કમાલ ન કર. * યાદોના પરફ્યુમ્સ ઊડે છે, ડનલોપી સપના આવે છે. તારી ગલીના લેમ્પપોસ્ટ પર, સાઠ વોલ્ટનું ફૂલ ખીલે છે. આજકાલ તો તારા બદલે, નેઈમપ્લેટ ઉત્તર દઇ દે છે. પ્રેમ પત્ર પૂરો થઇ જાતાં, ટાઇપરાઇટર આહ ભરે છે. તારા શહેરની રોનક કેવી સઘળી ટ્રેનો ત્યાં થોભે છે. * સ્મરણ લીલું કપુરી પાન જેવું હવામાં ચોતરફ લોબાન જેવું. ઉડાડી છેક દરિયાપાર લઇ ગઇ, હસી એક છોકરી વિમાન જેવું. ઉઘાડી આંખ છે ને દ્રશ્ય ગાયબ, સહજમાં થઇ ગયું છે ધ્યાન જેવું. હશે આ ઘરની બારીને ય આંખો, હશે આ ભીંતને પણ કાન જેવું. ખબરઅંતર પૂછે ખેરાત જાણે, કરે છે સ્મિત તે પણ દાન જેવું. ઊભી પૂંછડીએ જે ભાંગી રહ્યું છે. એ લાગે છે કોઇ ઇન્સાન જેવું. હતું જે સ્વપ્નમાં રેશમ ને મલમલ ને જાગી જોઉં તો કંતાન જેવું. અદમ આ શ્ર્વાસની ખીંટીએ લટકે અમારું હોવું ખાલી મ્યાન જેવું. * એના પાયામાં પડી બારાખડી, ચોસલાંથી શબ્દોના ભીંતો ચણી. એક તત્સમ બારણું પ્રવેશનું સાત ક્રિયાપદની બારી ઊઘડી. ભોંયતળિયે પાથર્યાં વિરામચિહ્ન ને અનુસ્વારોનાં નળિયાં છાપરે. ગોખમાં આઠે વિભક્તિ ગોઠવી ભાવવાચક નામ મૂક્યું ઉંબરે. થઇ ધજા ફરક્યું ત્યાં સર્વનામ તું ટોડલે નામોના દીવા ઝળહળ્યા. સાથિયા કેવળ પ્રયોગી આંગણે. રેશમી પડદા વિશેષણના હાલ્યા. જ્યાં અનુભૂતિનો સુસવાટો થયો. ત્યાં જ આ પત્તાંનો મહેલ ઊડી ગયો. * |