રૂપને પ્રેમ એ બન્નેનું વસન એક જ છે, લાજ એક જ છે અને એનું જતન એક જ છે, માત્ર જીવન ને મરણનો જ ફરક છે, નહિ તો- એમનો પરદો અને મારું કફન એક જ છે. ઝૂંટવી લીધી સફર આવારગી આપી મને, જે ન હું જીવી શકું એ જિંદગી આપી મને, સાથ દેવામાં મને જેને ન લાગ્યું શાણપણ, બસ ફક્ત એણે જ આ દીવાનગી આપી મને. મૂકી દીધું છે ક્યારનું ઘર, આવ સાથ દે, મંઝિલ વિનાની થઇ છે સફર આવ સાથ દે, ક્યાં જાય છે કે સાચી જરૂરત હવે જ છે, રઝળી પડ્યો છું રાહ ઉપર, આવ સાથ દે. ક્યાંક હું ધર્મધ્યાન રાખું છું, ક્યાંક હું મધપાન રાખુ છું, એક તમે પામવા જગતભરમાં, નોખ નોખાં નિશાન રાખું છું. રસ ગઝલમાં હોઇને ભળતાં હશો અહીંયા તમે, હું ન જાણું ને મને મળતાં હશો અહીયાં તમો, એમ સમજી આવી મહેફિલમાં હું આવી જાઉં છું, મારા દિલની વાત સાંભળતાં હશો અહીયાં તમે. |