ધણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપા,ટોપી અને પાઘડીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો રંગબેરંગી ટોપા.ટોપી અને પાઘડીઓ લઈ લો. એક દિવસ ટોપા,ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. ઝાડની છાયા જોઈ તે આરામ કરવા સૂતો. થોડીવારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો. એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ ટોપીનું પોટલું જોયું ને તે નીચે ઊતરી આવ્યાં. અટકચાળાં વાંદરાંને તોફાન સૂઝયું.તેમણે ટોપા ને ટોપી ઓનું પોટલું છોડી નાંખ્યું.વાંદરાંઓએ ટોપીઓ લઈને પહેરી લીધી. તો કોઈએ ટોપા પહેર્યા. એક વાંદરાંએ પાઘડી પહેરી. થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. દૂર જોયું તો ઘણાં બધાં વાંદરાં ઓ ટોપા,ટોપી અને પાઘડી પહેરી કૂદાકૂદ કરતાં હતાં. ફેરિયાને એક યુકિત જડી ગઈ. તે જાણતો હતો. 'વાંદરાં નકલખોર હોય છે.' ફેરિયાએ પોતાના માથેથી ટોપી ઉતારી છૂટી દૂર ફેંકી. વાંદરાંઓએ પણ ફેરિયાની નકલ કરી. તેની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી,ટોપા અને પાઘડી ઉતારી ફેરિયા તરફ ફેંકી દીધા. ફેરિયાએ ટોપી,ટોપા અને પાઘડી વીણી લીધી. પછી બધો માલ પોટલામાં બાંધી લીધો, તેને થયું, 'નકલ કામ બગાડે પણ અકકલ કામ સુધારે તે આનું નામ.' |