દેશ અને વિદેશમાં અકબર બાદશાહની ભારે નામના હતી. એમના દરબારનાં નવ રત્નોનાં લોકો ખૂબ વખાણ કરતા હતા. બાદશાહનાં નવ રત્નોમાં બીરબલ પણ એક મહામૂલું રત્ન હતો. તેથી ઈરાનાના બાદશાહે અકબરને પત્ર લખીને થોડા દિવસ માટે બીરબલને ઈરાન બોલાવ્યો. ઈરાનના દરબારમાં બીરબલ આવ્યો એટલે ત્યાંના દરબારી ઓનું માન ઘટી ગયું. બાદશાહ આખો દિવસ બીરબલનેજ સાથે લઈને ફર્યા કરે. બીરબલની સાથે વાતો કરવાની એને ખૂબ મજા પડતી .તેથી ઈરાનના કેટલાક દરબારીઓ બીરબલની અદેખાઈ કરવા લાગ્યા. એક દિવસ બાદશાહે બીરબલને કહ્યું,''તમે દુનિયાના ઘણા દેશોમાં ફર્યા છો અને ઘણા બાદશાહોને મળ્યા છો. તમે કયાંક પણ મારા જેવો ઉદાર. ન્યાયી અને દયાળુ બાદશાહ જોયો છે?'' બીરબલ હસતાં હસતાં કહે,''નામદાર! તમે તો પૂનમના ચંદ્ર જેવા છો. બીજા કોઈ પણ બાદશાહની તમારી સાથે સરખામણી થાય જનહીં.'' બીરબલના જવાબથી ખુશ થઈને બાદશાહે એને મોતીનો હાર ભેટ આપ્યો. ત્યાર પછી બાદશાહે ફરીથી કહ્યું,''બીરબલ! તમે મારી અને બીજા બાદશાહોની ઘણી વાતો કરી. પણ તમારા બાદશાહ અકબર વિશે તમે શું માનો છો?'' બીરબલે કહ્યું, ''અમારા બાદશાહ બીજના ચંદ્ર જેવા છે. '' ઈરાનનો બાદશાહ વધારે ખુશ થયો. એને થયું,''વાહ! દિલ્લીનો બાદશાહ બીજનો ચંદ્ર છે અને હું તો પૂનમનો ચંદ્ર છું. એટલે હું એનાથી ઘણો મોટો એણે ફરીથી બીરબલને સોનાનો હાર ભેટમાં આપ્યો.'' અદેખા દરબારીઓ આ વાતચીત સાંભળતા હતા. એમણે તરત જ અકબરને પત્ર લખી દીધો,''બીરબલે ઈરાનના બાદશાહને પૂનમના ચંદ્ર અને તમને બીજના ચંદ્ર તરીકે ઓળખાવ્યા છે. એના બદલામાં અમારા બાદશાહે બીરબલને કીમતી ભેટો આપી છે.'' બીરબલ જયારે દિલ્લી પાછો ફર્યો ત્યારે અકબર ખૂબ ગુસ્સામાં હતો. બીરબલે એને ઈરાનમાં બનેલી બધી વાતો કરી.સાથે સાથે બીજના ચંદ્ર અને પૂનમના ચંદ્રની વાત પણ અકરબને કરી. એ સાંભળતાં જ અકબર બોલી ઊઠયાં,''બીરબલ! ઈરાનના બાદશાહને તેં પૂનમનો ચંદ્ર કહ્યો અને મને તેં બીજનો ચંદ્ર કહ્યો. એવું કહીને તેં મને સામે હલકો પાડી દીધો.'' બીરબલને અકબરના ગુસ્સાનું કારણ સમજાઈ ગયું. એણે અકબરને કહ્યું,''નામદાર! મેં તો ઊલટું તમારી શોભા વધારવાનું કામ કર્યું છે.પૂનમને દિવસે આકાશમાં ચંદ્ર મોટો દેખાય છે. પણ બીજા દિવસથી રોજ એ નાનો ને નાનો થતો જાય છે છેવટે અમાસની રાત્રે એ બિલકુલ દેખાતો જ નથી. ઈરાનના બાદશાહનું પણ એવું જ છે. જયારે બીજનો ચંદ્ર તો રોજેરોજ મોટો થતો જાય છે. એ જ પ્રમાણે તમારી નામના અને તમારો વૈભવ પણ વધતાં જાય છે. હિદું અને મુસલમાન બંને બીજના ચંદ્રની પૂજા કરે છે તેથી એ શુભ ગણાય છે આમ મેં તો તમને જ શ્રેષ્ઠ કહ્યા છે.'' અકબરને બીરબલની જવાબથી સંતોષ થયો .એણે બીરબલને શાબાશી આપી. બીરબલ પણ ખુશ થઈને ઘેર ગયો. |