એક વાર અકબરને બીરબલની ચતુરાઈની કસોટી કરવાનું મન થયું. એણે પોતાની આંગળી પરથી વીંટી ઉતારીને પોતાના એક વિશ્વાસુ દરબારીને સોંપી. પછી તેને કહ્યું, '' વીંટી તું તારી પાસે છુપાવીને મૂકી દે.એના વિશે કોઈને કંઈ પણ કહીશ નહીં. '' બીરબલ દરબારમાં આવ્યો કે તરત અકબરે તેને બોલાવીને કહ્યું, ''આજે સવારે મારી વીંટી ખોવાઈ ગઈ છે. મારા પિતાજીએ પોતાની યાદગીરી તરીકે એ મને આપી હતી. એટલે ગમે તેમ કરીને એ શોધી આપવી પડશે. '' બીરબલે અકબરને જુદી જુદી રીતે પૂછયું. પણ અકબર તો એક જ વાત કરે, '' મને કંઈ જ યાદ નથી. તું મને મારી વીંટી શોધી આપ. '' છેવટે બીરબલે કહ્યું, '' સારું ત્યારે.હું હમણાં જ તમને તમારી વીંટી શોધી આપું છું. '' બીરબલ આંખો બંધ કરીને મંત્રો જેવું કંઈક બબડયો. પછી એણે અકબરને કહ્યું, '' હજૂર ! તમારી વીંટી અહીં જ, કોઈ દરબારીની પાસે જ છે.જેની પાસે તમારી વીંટી છે, તેની દાઢીમાંથી હમણાં જ એક તણખલું પડશે. '' પેલો દરબારી તો ગભરાઈ ગયો. એણે તરત પોતાની દાઢી પર હાથ ફેરવ્યો. બીરબલનું ધ્યાન ચારે બાજુ હતું. એણે અકબરને કહ્યું, '' જહાંપનાહ! તમે આ દરબારીની તપાસ કરાઓ. તમારી વીંટી એની પાસેથી જ નીકળશે. ''અકબર તો બધું જાણતો જ હતો. અકબરની વીંટી શોધવા માટે બીરબલે કઈ યુકિત અજમાવી હતી, એની તો અકબરને ખબર ન પડી. પણ બીરબલની ચતુરાઇ ઉપર અકબર ખુશ થઈ ગયો. |