અકબરના દરબારમાં દૂરદૂરથી પંડિતો આવતા. તેમની પાસે જાતજાતના અઘરા સવાલો હોય. તેઓ અકબરના દરબારીઓને અઘરા સવાલો પૂછે. દરબારીઓ ઘણી વાર મૂંઝાય. એટલે જવાબ આપવાનો વારો આવે બીરબલનો. તે સહેજ વારમાં અઘરામાં અઘરા સવાલનો જવાબ આપી દેતો. આથી દેશ અને વિદેશમાં બીરબલની ચતુરાઈનાં વખાણ થતાં. ઈજિપ્તમાં એક બાદશાહ હતો. એણે બીરબલની ચતુરાઈનાં વખાણ સાંભળ્યાં. એને થયું, 'લાવ, હું પણ બીરબલની ચતુરાઈની કસોટી કરું. જોઉં તો ખરો કે એ કેવો ચતુર છે! 'તેણે અકબરને પત્ર લખ્યો અને બીરબલને ઈજિપ્ત મોકલવા વિનંતી કરી. અકબરે બીરબલને ઈજિપ્ત રવાના કર્યો. ઈજિપ્તના વજીરે બીરબલને ઠાઠમાઠથી સ્વાગત કર્યું. પછી એણે બીરબલને કહ્યું, '' કાલે દરબારમાં આવજો. ત્યાં બાદશાહ તમને મળશે. '' બીરબલ બીજા દિવસે દરબારમાં ગયો. દરબારમાં જઈને જોયું તો પાંચ-પાંચ બાદશાહ! બધા જ એકસરખા! જરાયે ફેર ન લાગે. એકસરખાં પાંચ સિંહાસનો પર એ બેઠેલા હતા. બીરબલે ધારીધારીંને આ પાંચેય બાદશાહને જોયા. બરાબર અવલોકન કર્યું. છેવટે એક બાદશાહ પાસે જઈ એણે સલામ ભરી.બાદશાહ ભારે નવાઈ પામ્યો. બાદશાહે પૂછયું, '' હું જ ખરો બાદશાહ છું એની તને કેવી રીતે ખબર પડી? ''બીરબલ કહે, ''જહાંપનાહ! નકલી બાદશાહ હતા એ તમારા જેવા દેખાવા માટે મહેનત કરતા હતા. એ છાનામાના તમને જોયા કરતા હતા. તમારે તો એવી કોઈ જરૂર જ નહોતી. એટલે તમે સ્થિર બેઠા હતા. તેથી મેં તરત જ તમને ઓળખી લીધા. '' બીરબલની ચતુરાઈથી ઈજિપ્તનો બાદશાહ ખૂબ ખુશ થઈ ગયો. એણે બીરબલને શાબાશી આપી અને ખૂબ માટું ઈનામ આપ્યું. |