(ભાગ-87) (259) કથા સુણી શ્રોતા શું ખટયો, જો ગુણ ગાઇ ગાનારો ન વટયો ? થયા-ગયા તે પોથે લખ્યા, પણ વણથયાની લહો પારખ્યા. વણથયો વ્યકત સર્વ કરે, તેહેને લહ્યે અખા અર્થ સરે. જો કથાકાર દેવોના ગુણ ગાઇને સંસારને વટાવી આગળ ન ગય હોય તો (પાઠ ‘ન વટયો’) અથવા, કથાકાર પોતે કથાથી અલિપ્ત રહ્યો તો કથા સાંભળીને શ્રોતા શું ખાટે- શો લાભ મેળવે ? વણથયાની - અજન્માની (બ્રહ્મની )પરીક્ષા કરી જુઓ. એ અજન્મા પોતે અવ્યકત હોવા છતાં બધું વ્યકત-મૂર્ત કરે છે. તેનો અનુભવ કરવાથી જ મનુષ્યઅવતાર સફળ થાય છે. (260) બાણવેઝાને સહુ કો મુહે, પણ બાણાવળીને કોએક જુએ. શ્રોતા-વકતા વેઝું-બાણ, ટળી બેહુ ને રહે નિરવાણ. નામરૂપ વંચક ને સભા, અખા સહુ વહે કાળની પ્રભા. બાણવિધા ઉપર સહુ કોઇ મોહ પામે છે પણ બાણાવળીનો તો કોઇક જવિચાર કરે છે. પણ જેમ બાણ (ધનુષ્ય) અને તીર ટળી જાય તો બાણાવળી જ બાકી રહે, તેવી રીતે કથાના શ્રોતા- વકતા ટળી જાય, એમની જીવબુદ્ધિ દૂર થાય તો જેની કથા વાંચવામાં આવે છે તે હરિ (નિર્વાણ ) જ બાકી રહે છે. કથા વાંચનાર અને શ્રોતા-સભા કાળના પ્રવાહમાં નાશ પામે છે. (એક હરિ-બ્રહ્મ જ અવ્યય અને અવિનાશી છે.) (261) સાચો જૂઠાના ગુણ ગાય, પણ જૂઠે સચો નવ લહેવાય; દરપણ તો મુખને ગ્રહે,પણ પ્રતિબિંબ કેમ બિંબને લહે ? આદર્શ-સ્થાને જે નામ-રૂપ, અખા તે શું લહે સત્ય હરિભૂપ ? સાચો જૂઠાની લીલા પારખી તેનું વર્ણન કરી શકે. પણ જૂઠાથી (સંસારથી ) સાચાને (બ્રહ્મને ) સમજી શકાતો નથી. સંસાર તો દર્પણમાં પડેલા મુખના પ્રતિબિંબની જેમ બ્રહ્મનું માયામાં પડેલું પ્રતિબિંબ (આભાસ) છે. દર્પણમાં પડેલું મુખનું પ્રતિબિંબ મુખને પામી શકતું નથી તેવી રીતે મિથ્યા નામરૂપવાળું જગત જે દર્પણમાં પડેલા પ્રતિબિંબ જેવું છે તે સત્ય એવા પરાત્પરને-બ્રહ્મને કેવી રીતે ઓળખી શકવાનું હતું ? |