સિંધુ સંસ્કૃતિમાં પ્રતિષ્ઠિત માતૃકા ઓના પ્રતિનિધિરૂપ શકિતપૂજા માનવીય સંસ્કાર જેટલી જૂની છે અને તેટલો જ આ માતૃકાપંથ વ્યાપક છે. સિંધુ સંસ્કૃતિમાં માતૃકા ઓનું સ્થાન મહત્ત્વનું હતું. મઢની ધરતી જગવિખ્યાત છે. મઢના ભૂસ્તરમાં કુદરતી રીતે ફટકડી ઉત્પન્ન થાય છે. મઢની રંગબેરંગી ભૂમિ આંખને ગમે તેવી છે. અને મનને રાજી કરે છે. વનરાજી, જંગલની ઝાડી અને પાણી અહીં ભરપૂર છે. નિસર્ગથી ભરપૂર, ડુંગરાઓ વચ્ચેથી ચાલી જતી નય નદીના કાંઠે મઢ ગામ વસેલું છે.કચ્છના રાજ્યકૂળના આરાધ્ય દેવી આશાપુરાનું પ્રાચીન મંદિર અહીં હોવાથી તેને માતાનો મઢ કહેવાય છે.આમાં કચ્છની દેશદેવી અને રાજવી કુટુંબની કુળદેવી રસરાણી રન્નાદેવી આશાપુરાનો મઢ આવેલો છે. આ મંદિરમાંની મૂર્તિ પહાડ માંથી કંડારી કાઢેલી હોય તેવી દેખાય છે. આ અંગે એવી દંતકથા છે કે લાખા ધુરારાનો પુત્ર સ્વપ્રતાપે રામૈની ગાદીએ આવ્યો હતો.પરંતુ તેને લાખા ધુરારાના અન્ય પુત્રો મનાઈ અને મોડે કાવતરાથી મરાવી નાંખ્યો આથી ઉન્નડ પછી નગર રામૈની ગાદીએ તેનો પુત્ર સમો બામની આવ્યો. તે મહા પરાક્રમી હતો.ધુમલીની ચઢાઈમાં ફતેહ કરી ત્યાંથી પાછા વળતાં તે કચ્છ માંથી પસાર થયો ત્યારે હાલ જયાં મઢ છે ત્યાં રાતવાસો કર્યો. રાત્રે માતા હીંગળાજે સ્વપ્નમાં કહ્યું કે તારી આશા પૂરી થઈ છે. પ્રાત : કાળે આ સ્થળે તને માતૃકાની સ્વયંભૂ મૂર્તિનાં દર્શન થશે,તેની પ્રતિષ્ઠા કરી પૂજન કરજે. બામનીને સવારમાં જાગોરા ભિટ્ટ પાસે માતાની મૂર્તિનાં દર્શન થયાં અને તેણે તેની સ્થાપના કરી. આ રીતે આશા પૂરી કરનાર આ માતા આશાપુરા નામે પ્રતિષ્ઠા પામ્યાં. મંદિરની અંદર મૂર્તિ કંડારતી વખતે છ માસ સુધી મંદિર બંધ રાખવાનું હતું. પરંતુ પાંચમા માસે એક રાત્રીએ મંદિરમાં માતાજીનાં ગીતો ગવાતાં સાંભળીને દેવચંદે મંદિરનું દ્વાર ઉધાડીને અંદર જોયું તો અંદરથી આખું દ્દશ્ય અલોપ થઈ ગયું. તેને વાણી સંભળાઈ કે અધૂરી મુદતે દરવાજો ખોલ્યા એટલે મૂર્તિ અધૂરી રહી જશે. આ મૂર્તિ છ ચોરસ ફૂટ જેટલી શિલામાંથી પ્રતિમા ઊપસતી હોય તેવી લાગે છે. મૂળ મંદિરની જગ્યાએ લાખા ફૂલાણીના પિતાના કાર ભારીઓ અજા અને અણગોરે મોટું મંદિર બંધાવ્યું હતું. ઈ.સ. 1819ના ધરતીકંપ વખતે નુકશાન થતાં ઈ.સ. 1824માં સુંદરજી શિવજી બ્રહ્મ ક્ષત્રીય અને વલ્લભજી રાજા રામે આ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો. મંદિરની સેવાપૂજા પ્રાચીન સંપ્રદાયના કાપડી અનુયાયીઓ કરે છે. મંદિરના મહંતને રામ કહે છે અને કચ્છનું રાજકુળ તેમને સારું માન આપે છે.જયારે જયારે વખતે મહારાવ માતાજીનાં દર્શન આવે છે ત્યારે પ્રથમ રાજાને નમસ્કાર કરવા જાય છે.તે વખતે રાજા ગાદી ઉપર બેસી રહીને મહારાવને આશીર્વાદ આપે છે. માતાનો ભૂવો હોય તેને રાજા કહેવાય અને કાપડીને રોરાશી કહેવાય.રાજાના ઉત્તરાધિકારી માટે એવો શિરસ્તો છે કે રોરાશી ગુજરે ત્યારે રાજાનો ચેલો રોરાશી થાય અને રાજા ગુજરે ત્યારે રોરાશી રાજા બને. કાપડીઓ માટે બ્રહ્મચર્ય વર્ત આવશ્યક છે. આતિથ્ય અને લોકસેવા એ તેમનો ધર્મ છે. આસો સુદ આઠમના રોજ હવન અષ્ટમીનો મેળો ભરાય છે. જૂના સમયથી ઊભી થયેલી સાત પાડાઓનાં બલિદાન દેવાની પ્રથા હવે બંધ થઈ ગઈ છે. રાઓશ્રી દેસળજીના વારામાં આશાપુરાના આયડી ઓને રાજદરબારમાં હુકાપાણીનો અધિકાર મળ્યો.તેઓ માતાજીનો જાગ કરાવે છે તેથી તેઓ જાગરિયા કહેવાય છે. ભુજ, અંજાર અને જામનગરમાં આ જાગરિયાઓનાં થોડાં ઘર છે. તેઓ નોરતામાં ડાક વગાડે છે.ઉપરાંત પટ્ટી-પાટી વણી કે નોકરી કરી પોતાનો ગુજારો કરે છે. મઢ પાસે જાગોર ભિરુમાં જાગોરિયા આશાપુરાનું અને ગુગલી આણામાં ગુગળી માતાનું સ્થાનક છે.તળ મઢમાં ચાચરા કુંડ અને ચાચરા માતાનો મહિમા પણ મોખરે છે. મઢમાંથી કચ્છની દેશદેવી આશાપુરાની પ્રતિષ્ઠા ક્ચ્છને ખૂણેખૂણે પ્રસરેલી છે. દરિયા કિનારો પણ તેમાં બાકાત નતીય મધદરિયે પોતાના આશાદીરને જલતો રાખનાર એ દેવી આશાપુરાને “આસાર”ના લાડીલા નામે કચ્છનો સાગરખેડુ ખારવો પૂજે છે. લાયજાની પાસે ખારોડનો જ્યાં સાગર સંગમ થાય છે ત્યાં ત્ર્યાંશી ફૂટ ઊંચી ટૂક ઉપર આસારનું મોટું સ્થાનક આવેલું છે. દુરદૂરની સાગરસફરો ખેડી માંડવી બંદરે પહોંચતો ખારવો આસારનું થાનક નિહાળે છે.આ સ્થાનક જોઈને એની જીવનશ્રદ્ધા જાગે છે. તરત તે ઘર ભેળા થવાની તીવ્ર લાગણી અનુભવે છે. આસારનાં દર્શન થકી તેનો આનંદ અને આશા પરાકાષ્ઠાએ પહોંચે છે.આશાનું આવું દિવેલ પૂરતી મઢની મહાશકિત આશાપુરા કેટલાયે આશાભર્યા અને કોડિલા જીવનદીપ જલતા રાખે છે. |