જ્યારથી તારો મને સાથ કે સહકાર નથી, લાગે છે મારા ઉપર કોઇને પણ પ્યાર નથી. સારું છે મારો જગે કોઇ મદદગાર નથી, એમ લાગે છે મને કે હું નિરાધાર નથી. એ નહીં આવે હવે મારી ખબર પૂછવાને, એમના મનથી મરેલો છું હું બીમાર નથી. તારું ને મારું મિલન કેમ થવાનું, ઓ ખુદા ? તું નિરાકાર છે, કંઇ હું તો નિરાકાર નથી. કર વિધાતા, તું હવે ચાહે તે હાલત મારી, કે હવે મારા ઉપર મારો અધિકાર નથી. છે સજારૂપ જીવન, ગેરસમજ ના કરશો, હું ભલો માનવી છું, કોઇ ગુનેહગાર નથી. એ જ તો મોટી કરૂણતા છે જીવન-નાટકની, છે ફક્ત પાત્ર બધાં, કોઇ કલાકાર નથી. યાદ રાખે છે મને એટલે દુનિયા બેફામ, મોત જીવનનો ફક્ત અંત છે, કંઇ સાર નથી. |