મને તો પ્રથમ બસ આટલો ઇતિહાસ લાગે છે, પ્રથમ એ સત્ય લાગે છે, પછી આભાસ લાગે છે. ગમે તે માર્ગ લઉં, મંઝિલ મને ચોપાસ લાગે છે, તમે હો સાથમાં ત્યારે તો એવું ખાસ લાગે છે. ચમનમાં પણ મને તો કોઇ રણનો પાસ લાગે છે, કે લાગે છે હવા ઠંડી ને ઊના શ્ર્વાસ લાગે છે. હવે દુઃખમાં કોઇ ખોટા દિલાસા પણ નથી દેતું, કે મૃગજળ પણ નથી મળતાં હવે જ્યાં પ્યાસ લાગે છે. જગતને ખેલદિલીથી ખુશીમાં સાથ આપું છું, હસું છું હું ય જ્યાં મારો મને ઉપહાસ લાગે છે. સુરા સમજી ગળી જાઉં છું કડવા ઘૂંટ દુનિયાના, હવે તો શોક પણ એક જાતનો ઉલ્લાસ લાગે છે. બહું અઘરું છે પાગલની ઉપાધિ મેળવી લેવી, પ્રણયના પાઠનો એ આખરી અભ્યાસ લાગે છે. નહીં તો વિશ્ર્વના વાતાવરણથી હું ન ગૂંગળાઉં, પરંતુ શું કરું ? મારા જ એ નિશ્ર્વાસ લાગે છે. કહો સાકીને - મારો જામ ખાલી જોઉં છું જ્યારે, મને આખુ સુરાલય પી જવાની પ્યાસ લાગે છે. નથી હું સાથ લેતો કોઇનો ને એકલો રહું છું, તો સમજે છે બધા - તારો મને સહવાસ લાગે છે. મને તારી પ્રતીક્ષા છે હજી, એ છે વફા મારી, સમજજે નહિ - મને તારા ઉપર વિશ્ર્વાસ લાગે છે. હવે તારી મુલાકાતો નથી થાતી આ દુનિયામાં, હવે સાચે જ મારા દિલમાં તારો વાસ લાગે છે. હતાં એ પાસ તો લાગ્યાં હતાં એ દૂર મારાથી, હવે છે દૂર મારાથી તો મારી પાસ લાગે છે. નહીં તો એને મારા પર જુલમ કરવાનું કારણ શું ? મને તો આ જમાનો પણ તમારો દાસ લાગે છે. અહીંથી કોઇ પણ કાઢી નહીં શકશે મને બેફામ, કબર કહેવાય છે જે એ ખરો આવાસ લાગે છે. |