(ભાગ-102) (304) નિવૃત્ય-પ્રવૃત્ય શમણાનું ધન, ઊંધ્યો નર તેહેનું કરે જતન; જાગ્યે રૂડું -કુંડું ટળે,જ્ઞાન તે જે પાછો વળે અખા પરંપંચ નહિ પરમાણ,ઠાલો શું થઈ બેસે જાણ? બ્રહ્મને ઓળખવા માટે નિવૃતિ અને પ્રવૃત્તી સ્વપનામાં ધન જેવી મિથ્યા છે. ઊંઘતો માણસ તેનું જતન કરે છે એટલે કે તેને સાચી માને છે અને સેવે છે. પણ જે જાગ્યો છે તે એ બેઉથી પાછો વળી જાય છે, તેને ઉપયોગી માનતો નથી, તો નકામો એનો જાણકાર તું કેમ બની બેઠો છે? (305) તપ-તીરથ દેહ દમવા કાજ ,જાણ્યું ઉન્મત્ત તનમન આવે વાજ . ફળ સંભળાવી કીધું ખરું, પણ હરિ મળવાનું કારણ પહરું. અખા એ સર્વ મનની તોર ,કોડી વટાવ્યે ના વે મહોર. તપ અને તીરથ દેહ દમવા માટે છે અને તેનાથી ઉન્મત્ત તનમન ઠેકાણે આવે છે એમ જાણ્યુ હતું પરંતુ શાસ્ત્રો અને પુરાણીઓએ એના ફળ વર્ણવીને તે સૌને હરિને મેળવવા માટે યોગ્ય એટલે ખરાં સાધન ગણાવ્ચાં છે. પણ તેથી હરિને મેળવવાનું તો આધું જ રહે છે. આ બધાં તો મનનાં તરંગ છે. કોડી જેવું હલકું ચલણ વટાવતાં બદલામાં સોનાની મહોર મળતી નથી , તે રીતે તપ તીરથ જેવા સાધનથી પ્રભુપ્રાપ્તિ થતી નથી. (306) હરિ જાણીજે તે હરિ વડે, ત્યાંહા બીજાનું કામજ ન પડે; બીજા કર્મ મનથાં નીપજે, મન સુધી તેહેનો જય-વિજે અખા તે માટે ત્યાંહાં રહી ચેત, જ્યાંહાં રહીને નિગમ કહે નેત. હરિ ને હરિ વડે જ જાણી શકાય છે. આ માટે બીજાં સાધન કામ આવે નહિ. હરિને મેળવવા માટે માણસ જે ધર્મ કર્મ કરે છે તેને પ્રેરનારું મન જ છે. જ્યાં સુધી મન છે મનમાં આશાતૃષ્ણા છે. ત્યાં સુધી જ આ સાધનોનો જયવિજય,સફળતા લાગે છે. માટે વેદોમાં જેને “નેતિ નેતિ’’ કહી વર્ણવ્યું છે એ બ્રહ્મમાં સ્થિર થઈને તું તેમાં ફના થઈ જા- ચૈતન્યબ્રહ્માં જ બની જા. |