મને માણસ અચાનક કરડી ગયો કુમળો કુમળો છોડ કોડનો મૂળથી મરડી ગયો. હડકાયો એ એવો કે એના પડછાયાથી દૂર, દૂર દૂર રહેવાને માટે એવો છું આતુર. સંવેદનાની ત્વચા ને વાચા કેવી ઉતરડી ગયો ! મને માણસ અચાનક કરડી ગયો. હાથ એનો પંજો થઇ ગયો ને નખમાંથી નીકળ્યા નહોર, સળગી ઊઠી સવાર-સાંજઃ જાણે બળબળતી બપોર. આયખાનું આ ઝાડઃ એને અજગર ભરડી ગયો. મને માણસ અચાનક કરડી ગયો. હું પણ માણસ છું એટલે કોઇ ને ક્યાંય પણ કરડ્યો હોઉં એવું જો હોય તો કઇ ગંગામાં મારાં આ હાથ-મોં ધોઉં. જખમનો મલાજો રાખું છું તોપણ એને કેમ ઉઝરડી રહ્યો. મને માણસ અચાનક કરડી ગયો. |