એક વેપારી હતો. તે ખૂબ પ્રામાણિક હતો.એક વાર એ વેપારના કામ માટે બહારગામ જતો હતો. રસ્તામાં એક ઝાડ નીચે તે થોડી વાર આરામ કરવા બેઠો. તે ખજૂર ખાઇ રહ્યો હતો.થોડી વાર પછી તેણે ઝાડ નીચે ઠળિયા એક તરફ ફેંકી દીધા. ઠળિયો ફેંકતાં જ એકાએક એક ભયંકર રાક્ષસ વેપારીની સામે આવીને ઊભો રહી ગયો. તે ક્રોધથી તાડૂકી ઊઠયો, અરે મૂર્ખ ! તારી આ હિંમત હવેતું બચી શકે તેમ નથી. ચાલ,મરવા માટે તૈયાર થઈ જા ! રાક્ષસનું વિકરાળ રૂપ જોઈને વેપારી ગભરાઈ ગયો. શું કરવું તે તેને સમજાતું ન હતું. પછી તે થોડી હિંમત એકઠી કરીને બોલ્યો, આપ મારા ઉપર શા માટે આટલા બધા ગુસ્સે થયા છો ? મેં આપનું શું બગાડયું છે ? તે શું બગાડયું છે એમ મને પૂછે છે ? રાક્ષસ વધારે મોટા અવાજે બોલ્યો, મારા એકના એક પુત્રને તેં મારી નાખ્યો છે.રાક્ષસે કહ્યું, તેં ખજૂર ખાધી. પછી ઠળિયા છૂટા ફેંકયા. એમાંનો એક ઠળિયો મારા દીકરાના માથા પર જોરથી વાગ્યો. તેથી એ ત્યાં ને ત્યાં મરી ગયો ! વેપારીએ પોતાનો બચાવ કરતાં કહ્યું, મેં કંઈ આપના પુત્રને ઇરાદાપૂર્વક ઠળિયો નથી માર્યો. અકસ્માત્ તેને ઠળિયો વાગી ગયો અને તેનું મોત થઈ ગયું એમાં મારો શો વાંક ? તેથી આપે મને માફી આપવી જોઈએ. તને વળી માફી કેવી ? મારા દીકરાના હત્યારાને હું માફ કરી દઉં ? એ કદી બની શકે ? રાક્ષસે કહ્યું.વેપારી સમજી ગયો કે હવે એનું મૃત્યુ નજીક છે. તેણે રાક્ષસને વિનંતી કરી, મને છેલ્લીવાર ઈશ્વરની પ્રાર્થના કરવા દેશો ? ઠીક છે, કરી લે પ્રાર્થના. રાક્ષસે કહ્યું.વેપારીએ આંખો બંધ કરી. પછી બે હાથ જોડીને મનોમન ભગવાનને કશીક પ્રાર્થના કરી. પછી તેણે રાક્ષસને કહ્યું, મારી છેલ્લી ઇચ્છા મારી પત્ની અને સંતાનોને મળી લેવાની છે. આપ મને એક વાર મારા ઘેર જઈ આવવા દો.બીજા દિવસે હું જરૂર અહીં હાજર થઈ જઈશ. રાક્ષસે વેપારી પર વિશ્વાસ મૂકી એને ઘેર જવા દીધો.ઘેર જઈને વેપારી એની પત્ની અને સંતાનોને મળ્યો. એણે તેમને જરૂરી સૂચનાઓ આપી, પણ પેલા રાક્ષસ વિષે કશી જ વાત કરી નહિ. પછી તે રાક્ષસ પાસે જવા નીકળ્યો. પોતાના વચન પ્રમાણે બીજા દિવસે સમયસર વેપારી પેલા ઝાડ પાસે આવી પહોંચ્યો. પણ રાક્ષસ હજુ ત્યાં આવ્યો ન હતો. તે સાવ ઉદાસ થઈને ઝાડ નીચે બેઠો. એવામાં ત્યાંથી એક મુસાફર પસાર થયો. તેણે વેપારીને ઉદાસ ચહેરે બેઠેલો જોયો. તેણે વિચાર્યું કે જરૂર કોઈ દુઃખમાં ડૂબેલો અહીં એકાંતમાં બેઠો છો ? અહીં તો રાક્ષસો રહે છે ! વેપારી રડવા જેવો થઈ ગયો. તેણે મુસાફરને પોતાની વીતક કથા કહી. તેણે કહ્યું, આજે મારી જિંદગીનો છેલ્લો દિવસ છે. રાક્ષસ આવતો જ હશે. એટલે આપ અહીંથી ચાલ્યા જાઓ, નહિતર આપ પણ કયાંક આફતમાં મુકાશો. વેપારી મુસાફરને ચેતવી રહ્યો હતો. એટલામાં બીજો એક મુસાફર ત્યાંથી પસાર થયો. તે પણ વેપારીની વાત સાંભળવા ત્યાં રોકાઈ ગયો. વેપારી અને બે મુસાફરોની વાતચીત પૂરી થઈ એટલામાં ધમપછાડા કરતો રાક્ષસ એમની પાસે આવી પહોંચ્યો.વેપારી પાસે મુસાફરોને ઊભેલા જોઈ તે ક્રોધથી રાતોપીળો થઈ ગયો. પણ તું તારી સાથે આ બે અંગરક્ષકોને કેમ લાવ્યો છે ? યાદ રાખ, તેઓ તને મારા હાથમાંથી બચાવી નહિ શકે. તેઓને પણ જીવ ગુમાવવો પડશે. આજે તારું મોત થવાનું એ નકકી જ છે. આ સંભાળીને તેમાંના એક મુસાફરે રાક્ષસને કહ્યું, મહાશય, અમે બે જણા તો મુસાફરો છીએ. અમે તો અહીંથી પસાર થતા હતા. આ જ વાત બીજા મુસાફરે પણ રાક્ષસને કહી.પણ તમે ભેગા થઈ શું કરવા ઈચ્છો છો ? રાક્ષસે એ ત્રણેને પૂછયું. અમારે તમને એક-એક વાર્તા કહેવી છે. જો તમારે ઉતાવળ ન હોય તો તમે પહેલાં અમારી વાર્તાઓ સંભાળી લો. પહેલા મુસાફરે કહ્યું.વાર્તાનું નામ સાંભળી રાક્ષસ થોડો નરમ પડયો. તેને વાર્તા સાંભળવાનો ખૂબ જ શોખ હતો. તે ભોંય પર પલાંઠી વાળીને બેસી ગયો અને બોલ્યોઃ તમે મને વારાફરતી એક-એક વાર્તા કહી સંભળાવો. પહેલા મુસાફરે રાક્ષસને એક વાર્તા કહી. રાક્ષસે એ વાર્તા ધ્યાનથી સાંભળી. તેનો ગુસ્સો ખાસ્સો ઓછો થઈ ગયો.પછી બીજા મુસાફરે એક વાર્તા કહી. રાક્ષસને એ વાર્તા સાંભળવામાં ખૂબ રસ પડયો.પછી વેપારીનો વારો આવતાં તેણે રાક્ષસને વાર્તા કહેવા માંડી. એક વેપારી હતો. તેને વેપાર કરવા માટે અવારનવાર બહારગામ જવું પડતું. તેને કેટલીક વાર મહિનાઓ સુધી બહારગામ રોકાવું પડતું. વેપારી આમ અવારનવાર બહારગામ જાય ત્યાં રોકય તે તેની પત્નીને ગમતું નહોતું. એક વાર વેપારીને વેપાર કરવા માટે દૂરના એક શહેરમાં જવું પડયું અને ત્યાં એક વર્ષ સુધી રોકાવવું પડયું. તેથી તેની પત્ની તેના પર બહુ ગુસ્સે થઈ ગઈ. તેણે બીજા માણસની સાથે લગ્ન કરી લીધાં. વેપારી એક વર્ષ પછી પોતાના ઘેર આવ્યો. રાત પડી ગઈ હતી. તેના ઘરનું બારણું બંધ હતું. વેપારીએ બારણું ખખડાવ્યું. તેની પત્નીએ બારણું ખોલ્યું. એક વર્ષ પછી પોતાના પતિને ઘેર પાછો આવેલો જોઈને તે બહુ ગુસ્સે થઈ ગઈ. તે તરત પાણી ભરેલો પ્યાલો લઈ આવી. થોડું પાણી મંત્રીને વેપારી પર છાંટતાં તે બોલી, જા કૂતરો થઈ જા. એટલે તરત જ વેપારી કૂતરો થઈ ગયો. તેની પત્નીએ તેને ઘરમાંથી બહાર હાંકી કાઢયો. વેપારી ભૂખ્યો થયો હતો. તે દોડતો દોડતો એક કસાઈની દુકાને ગયો. ત્યાં જઈને તે નીચે પડેલું એક હાડકું ચાટવા લાગ્યો. આ જોઈને કસાઈને તેના પર દયા આવી. તેથી તે કૂતરાને પોતાના ઘેર લઈ ગયો. કસાઈની દીકરી મંત્રવિધા જાણતી હતી. એટલે જેવો કસાઈએ ઘરમાં પગ મૂકયો કે તરત જ તે બોલીઃપિતાજી ! આપ આ રીતે પર - પુરુષને આમ ઘરમાં લાવો તે સારું ન કહેવાય ! કસાઈએ પૂછયું, અહીં કોણ પર- પુરુષ છે ?પુત્રીએ કહ્યું, પિતાજી, આ કૂતરો એક પુરુષ છે ! તેની સ્ત્રીએ તેના ઉપર મંત્રેલું પાણી છાંટીને તેને કૂતરો બનાવી દીધો છે ! પછી કસાઈની દીકરી થોડું પાણી લઈ આવી અને એક મંત્ર બોલી થોડું પાણી કૂતરા પર છાંટયું. કૂતરો પાછો વેપારીના મૂળ રૂપમાં આવી ગયો. વેપારીએ કસાઈની દીકરીનો આભાર માન્યો અને તેને પોતાની દુઃખદ હકીકત કહીને વિનંતી કરીઃ તેં જેમ મારું રૂપ બદલી આપ્યું તેમ તું શું મારી પત્નીનું રૂપ પણ તારા મંત્રનો ઉપયોગ કરીને બદલી આપવાની કૃપા કરીશ ? કસાઈની દીકરીએ વેપારીને એક શીશીમાં મંત્રેલું પાણી ભરી આપ્યું અને કહ્યું, તમારી પત્ની ઊંધી હોય ત્યારે તમે આ પાણી તેના શરીર પર છાંટી દેજો. પછી તમારી પત્ની તમારી ઇચ્છા મુજબના રૂપમાં તરત ફેરવાઈ જશે. વેપારી એ મંત્રેલા પાણીની બાટલી લઈને પોતાના ઘેર આવ્યો. તેણે લાગ જોઈને તેની પત્ની પર મંત્રેલું પાણી છાંટયું. વેપારીની ઇચ્છા મુજબ તેની પત્ની ગધેડીના રૂપમાં ફેરવાઈ ગઈ. વેપારીની પત્ની ગધેડીની સ્વરૂપમાં ઠેર ઠેર રખડવા લાગી. કોઈએ તેના તરફ દયા બતાવી નહિ. આમ તેને તેના કુકર્મોની સજા મળી ગઈ. પોતાની વાર્તા પૂરી કરતાં વેપારીએ રાક્ષસને કહ્યું, જેમ વેપારીની પત્નીને તેના ખરાબ કર્મનું ફળ મળ્યું, તેમ જો આપ મને મારી નાખશો તો હું એવું સમજીશ કે મને પણ મારા કોઈ ખરાબ કર્મનું ફળ મળ્યું છે. રાક્ષસે થોડો સમય વિચાર કરીને વેપારીને કહ્યું, ભાઈ, મને તારી વાર્તા ખૂબ ગમી ગઈ છે. મારે તને મારીને કોઈ નવું પાપ કરવું નથી. મારું હૈયું પણ હવે તો સાવ હળવું થઈ ગયું છે.આમ કહીને રાક્ષસ અદ્દશ્ય થઈ ગયો.પેલા બે મુસાફરો અને વેપારી પણ પોતપોતાને રસ્તે પડયા. |