(ભાગ-114) (340) સગુણ-નિર્ગુંણ કથવો રહ્યો, રૂંધ્યો-બાંધ્યો સ્વામી લહ્યો; સદા હરિ બોલતો ચાલતો, ખાતો પીતો ને મહાલતો. અખો કહે વેદાંતનું સાર : કૈવલ્ય બ્રહ્મ પ્રભા-આકાર. સંસારમાં કે દેહમાં બંધાયેલા કે રૂધાયેલા સ્વામીને -પરમાત્માંને અખાએ ઓળખી લીધો છે, અને સદા બોલતો -ચાલતો -ખાતો-પીતો મહાલતો એવો હરિ અનુભવ્યો છે. અખો કહે છે કે વેદાંતનો સાર એજ છે કે કૈવલ્ય બ્રહ્મ સતત વહેતો, અનાદિ અને અનંત પ્રવાહ છે. (341) યોગ ધ્યાન તપ તીરથ ત્યાગ, ભક્તિ કર્મ ને વ્રત-વૈરાગ્ય, વિષયવૃત્ત્ય નાનાવિધ ભોગ, સર્વ ચાલ્યો જાય ચૈતન્યયોગ અખા સર્વ સ્વામીના રંગ, સદા સર્વદા આપ અભંગ યોગ, ધ્યાન, તપ, તીર્થ, ત્યાગ, ભક્તિ, ધર્મ, કર્મ, વ્રત અને વૈરાગ્યની સાથેસાથે જ વિષયવૃત્તિ અને વિવિધ પ્રકારના સુખોપભોગ આ બધું બ્રહ્મ ચૈતન્યના યોગબળે પ્રવાહરૂપે વહ્યું જાય છે, આ બધી પરમાત્માની લીલા છે તે પોતે તો એક અને અખંડ છે. (342) અખો જોતાં તાંહાં વસ્તું વડે બીજું આપોપું નવ જડે. એમ જોતાં કોણ કેહેને ભજે ? તાંહાં પામણહાર ન લાધે રજે, અદબદ સ્વામી અટળ અનાધ, એમ સમઝ્યા વિના સઘળો વાદ. આ રીતે વિચારતાં બધું બ્રહ્મમય જ છે. બીજું કોઈ અલગ અસ્તિત્વ શોધ્યું જડે તેમ નથી. આમ જોતાં કોણ કોને ભજે ? પામનારો લેશમાત્ર જડે તેમ નથી. (કેમ કે તેનું પણ અલગ અસ્તિત્વ નથી). એ અદભૂત પરમાત્માં અનાદિ, નિરાકાર, અને અવિનાશી છે એટલું જ્યાં સુધી સમજાયું નથી ત્યાં સુધી જ બધા વાદવિવાદ અને મતતાંતરો રહે છે |