આ જગતમાં કંઇ બધે તારી સભા મળતી નથી, તે છતાં યે કાં મને ક્યાંયે જગા મળતી નથી ? ઓ ખુદા ! એવા બધાને મારું દુઃખ તું આપજે, જેમને સુખની દશામાં પણ મજા મળતી નથી. મારી આ હાલતને મંઝીલ માનવી પડશે હવે, માર્ગ કંઇ સૂઝતો નથી, કોઇ દિશા મળતી નથી. ખુશનુમાં વાતાવરણ માટે તો શું આહો ભરું ? શ્ર્વાસ લેવા જેટલી પણ જ્યાં હવા મળતી નથી. આપાવાનું કામ તો અલ્લાહનું છે તે છતાં, છે ઘણા એવા કે જેઓની દુઆ મળતી નથી. ઈશ ! મારી કલ્પનાને કર હકીકતનું જગત, છે એ જન્નત, પણ હવે એમાં મજા મળતી નથી. તું પીનારાને જહન્નમ આપજે નહિ, ઓ ખુદા ! એ જ એક એવી જગા છે જ્યાં સુરા મળતી નથી. જિંદગીનો થાક છે પણ ભાગ્યમાં આરામ ક્યાં ? મોત માગું એટલી સારી દશા મળતી નથી. એ પછી પોતાના દુઃખને ના રડે તો શું કરે ? જે આભાગીને બીજાની વેદના મળતી નથી. એ બધા નિંદા કરીને લે છે કહેવાની મજા, જેમને બેફામની સાચી કથા મળતી નથી. |