એક લાવરી હતી. તે ઘઉંના ખેતરમાં માળો બાંધીને પોતાનાં બચ્ચાં સાથે રહેતી હતી. બચ્ચાં હજુ નાનાં હતાં તેથી બચ્ચાને માળામાં મૂકીને ચણ ચણવા જતી. એક દિવસ લાવરીએ બચ્ચાંને કહ્યું, જુઓ, ખેતરનો માલિક જેવાતો બોલે તે સાંભળજો અને સાંજે મને કહેજો. કહી તે ચણવા ગઈ. સાંજે લાવરી આવી ત્યારે બચ્ચાંએ કહ્યું, મા ખેડૂત કહેતો હતો કે કાલે પડોશીઓ આવશે તો પાક લણી લઈશું. મા હવે આપણે બીજી સલામત જગ્યાએ જતાં રહીએ તો ? લાવરી કહે,તમે ચિંતા છોડો. એ પડોશીઓ ઉપર આધાર રાખે છે એટલે મહિનાઓના મહિના નીકળી જશે. અને બીજે દિવસે ખેડૂતે ખેતરમાં આવ્યો પણ પડોશીઓ નહતા તેથી તે બોલ્યો, કંઈ નહિ, કાલે મારા સગાને પાક લણવા બોલાવી લઈશ. લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની વાત કરી. લાવરીએ કહ્યું,ચિંતા છોડો. ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે. એથી પાક લણાશે નહિ, આખરે લાવરી સાચી પડી. ખેડૂત પાક લણવા આવ્યો નહિ. થોડા દહાડા પછી બચ્ચાં કહે, મા, આજે ખેડૂત ગુસ્સામાં હતો. તેની ઘરવાળીને કહે, કોઈ ન આવ્યું તો આપણે બે જ કાલે પાક લણીશું. લાવરી કહે, ખેડૂતે પારકી આશા છોડી એટલે કાલે તે જરૂર પાક લણશે. ચાલો આપણે આજે જ સલામત જગ્યાએ જતાં રહીએ. કહી લાવરી તેનાં બચ્ચાંને લઈ બીજે રહેવા જતી રહી. |