એક વખત અકબર બેગમ ઉપર ગુસ્સે થઈ ગયો. એણે બેગમને કહ્યું કે, " તું તારા પિયરમાં જતી રહે. હવે મને તારૂ મો બતાવીશ નહી. " બેગમ ગભરાઈ ગઈ. એ દોડતી દોડતી બીરબલ પાસે ગઈ. એણે બીરબલને બાદશાહના ગુસ્સાની અને એના હુકમની વાત કરી. બીરબલે તેને એક ઉપાય બતાવ્યો. બેગમ બાદશાહને મળવા મહેલમાં ગઈ. બાદશાહે એને જોઈને મોં ફેરવી લીધું. બેગમે કહ્યું, " જહાપનાંહ ! તમને છોડીને જવાનું મને જરા પણ ગમતું નથી. પણ તમે હુકમ કર્યો તેથી મારે જવું જ પડશે.મારે તો મારૂ બાકીનું જીવન તમારી સેવામાં જ પૂરું કરવું હતું પણ હવે શુ થાય ?" અકબરે એની સામે જોયા વિના કહ્યું," ખોટી ખુશામત ન કર. જે કહેવું હોય તે જલદી કહીને ચાલી જા." બેગમ કહે, " જુઓ ! હવે હું કાયમને માટે મારા પિયરમાં જતી રહીશ. મારી ઈચ્છા છે કે તમે આજે રાત્રે મારા મહેલમાં જમવા પધારો. પછી મને સૌથી વધુ પ્રિય હોય એવી એક ચીજ મારી સાથે લઈ જવાની રજા આપો.આપની યાદગીરી તરીકે એ ચીજને જોતાં જોતા હુ મારૂ બાકીનું જીવન પૂરું કરીશ " અકબરે હા પડી. રાત્રે અકબર બેગમના મહેલમાં આવ્યો. બેગમે તો એને ભાવતા ભોજન જમાડયાં. છેલ્લે એણે સરસ મજાનું પાન ખવડાવ્યું.પાનમાં ઘેનની દવા નાંખેલી હતી.એટલે અકબરને ઘેન ચડયું અને થોડી વાર માં જ એ ઘસ ઘસાટ ઉંધી ગયો. બેગમે બીરબલને બોલાવ્યો. બીજા દિવસે સવારમાં અકબર જાગ્યો. એણે આજુ બાજુમાં જોયું બધુ નવું નવું લાગ્યું. એટલામાં એણે પલંગની પાસે બેઠેલી બેગમને જોઈ. અકબર કંઈ બોલે એ પહેલા જ બેગમે કહ્યું, " હજુર ! માફ કરજો. મને સૌથી પ્રિય ચીજ મારી સાથે લઈ જવાની છુટ તમે જ આપી હતી. મને પ્રિય ચીજ તો તમે જ છો. એટલે હું તમને મારી સાથે લઈને મારા પિયરમાં આવતી રહી છું. " બેગમની વાત સાંભળીને અકબર ખુશ થઈ ગયો તે બેગમને સાથે લઈને પોતાના રાજ મહેલમાં પાછો આવ્યો. |