ઐરાવત નામના દેશ પર પ્રતાપ નામનો રાજા રાજ્ય કરતો હતો. લગ્નનાં ઘણાં વર્ષ પછી પ્રતાપને ઉદય નામનો દીકરો પ્રાપ્ત થયો.ઉદય ખૂબ જ લાડ કોડમાં મોટો થયો હોવાથી તેને પાણી માંગે ત્યારે દૂધ મળતું હતું.તેની નાની મોટી દરેકે દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવતી હતી.કોઈપણ વસ્તુની કિંમત તેણે ક્યારેય જાણવાની કોશીશ કરી નહોતી.વસ્તુ મેળવવામાં કેટલી મહેનત પડે છે તેની તેને પરવા ન હતી. આને કારણે તેનામાં સંવેદનશીલતા જ મરી પરવારી હતી.પોતાના રમકડાં કે ખાવાનું વહેંચવાની વૃત્તિ તેનામાં ન હતી.ઐરાવત દેશના તમામ સુથારો માત્ર તેના માટે જ રમકડા બનાવતા હતાં. રાત દિવસ તેઓ રમકડા બનાવે તોયે તેને ઓછા પડતા હતાં. ઉદય એવું માનતો હતો કે ઐરાવત રાજ્યની તમામ પ્રજા માત્ર તેની સેવા માટે જ સર્જાઈ છે.તેના માતા પિતા પણ તેને મોંએ ચઢાવવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું. જ્યારે ઉદય છ વર્ષનો થયો ત્યારે પડોશી રાજ્યનો રાજકુંવર પ્રબલ ઐરાવત તેની પાસે આવ્યો.ઉદયે પોતાના બધા જ રમકડા પ્રબલને બતાવીને અભિમાન લેતો હતો અને તે કુંવરની મજાક ઉડાવતો હતો. તેથી પ્રબલે ઉદયને પૂછ્યું કે તારી પાસે બધા જ રમકડા છે પણ ચંન્દ્ર તો નથી ? મને તો નવાઈ લાગે છે ?ઉદય જીદ કરવા લાગ્યો અને પોતાના પિતા પ્રતાપને જણાવ્યું કે મારે હમણાને હમણાં જ ચંન્દ્ર જોઈએ છે. રાજા પણ તેની વાત સાંભળીને વિચારમાં પડી ગયા કે હવે શું કરવું ? તેણે તાબડતોડ સભા બોલાવી. અને ફરમાન કર્યું કે કુંવર માટે ચંન્દ્ર હાજર કરો. રાજાનું જેવું ફરમાન થયું કે પ્રધાનોએ પોતાના અલગ અલગ સુચનો કર્યા. મહારાજ ચંન્દ્ર પૃથ્વી ઉપર લાવવો અશક્ય છે.બીજા પ્રધાને કહ્યું, મહારાજ રાજકુંવર બાળક કહેવાય. થોડા જ વખતમાં ચંન્દ્રની વાત તેઓ ભૂલ જશે.તો વળી ત્રીજા પ્રધાને જણાવ્યું કે. ચંન્દ્રના આકારનું રમકડું લાવીને રાજકુંવરને ખુશ કરી દો. એકે કહ્યું કે મહારાજ રાત્રે અગાશીમાં મોટો અરીસો મૂકીને તેમાં કુંવરને ચંન્દ્ર દેખાડી દો.પ્રતાપે આ બધા જ પ્રયત્નો કરી જોયા. પણ માને તો ઉદય શાનો? તેણે ખાવા પીવાનું છોડી દીધું. તે ભયંકર જીદે ચડ્યો. મારે ચાંદો જોઈએ.... મારે ચાંદો જ જોઈએ ? રાણીએ પણ પુત્રના દુઃખમાં સહભાગી થવા માટે ખાવા પીવાનું છોડી દીધું.હવે રાજા ગુસ્સે ભરાયા.તેમણે મુખ્ય પ્રધાનને બોલાવીને કહ્યું, તમે જો ચંન્દ્રને હાજર નહી કરો તો હું તમારો દેશ નિકાલ કરીશ. બીજા જ દિવસે મુખ્ય પ્રધાન એક ઉપાય વિચારીને રાજાની પાસે હાજર થયાં. મહારાજ ચાંદો લેવા માટે કુંવરે ઉપર આકાશમાં જવું પડશે.આપણે આજથી સીડી બનાવવાનું ચાલું કરીએ. તો દશ વર્ષે ચંન્દ્ર સુધી પહોંચી જવાશે એવી મેં ગણત્રી કરી છે. તો આજથી જ આપણે સીડી બનાવડાવવાની શરૂઆત કરી દઈએ. પોતાના એકના એક પુત્રના પ્રેમમાં અંધ બનેલા રાજાએ વગર વિચારે સીડી બનાવડાવવાનું શરૂ કરાવી દીધું. રાજ્યના તમામ મિસ્ત્રીઓ કામે લાગ્યા. દુર દુરના દેશમાંથી લાકડું મંગાવવામાં આવ્યું. કુંવર અને રાણી બંન્ને હવે ખુશ હતાં. તેથી બંન્નેએ ખાવા પીવાનું શરૂ કરી દીધું. આમ દશ વર્ષ વીતી ગયા. હવે સીડી ઉપર ચડીને ચંન્દ્ર ઉપર જવાનો દિવસ આવી ગયો.રાજકુંવર સોળ વર્ષના થયા હતાં. પણ તેની બુદ્ધી હજી બાળક જેવી જ હતી. રાજા રાણીએ તેની દરેક જીદ પુરી કરીને તેને પુખ્ત વયનો થવાજ ન દીધો. દશ વર્ષ થયા એટલે કુંવર સીડી ઉપર ચડવા તૈયાર થયો રાજા પણ કુંવરને એકલા મોકલવા માટે રાજી ન હતા તેથી તેઓ પણ તેની સાથે ચડવા લાગ્યા. જેમ જેમ ઉપર ચડતા જાય તેમ તેમ ઠંડી વધવા લાગી. સીડી પણ ધ્રુજવાલાગી રાજા તથા કુંવર બંન્ને ખૂબ ઊંચેથી નીચે પડ્યા અને પડતાની સાથે જ બંન્નેના રામ રમી ગયાં. પ્રધાનોને અને પ્રજાને શાંતિ થઈ. તેથી આમાંથી બોધપાઠ એ લેવો જોઈએ કે જીદ્દી અને મુર્ખ માણસોની આવી જ હાલત થતી હોય છે. |