
ખેડ બ્રહ્માથી શામળાજી જવાય છે. તલોદ સ્ટેશને ઊતરી મોડાસાથી પણ જવાય છે. મોડાસાથી 18 માઈલ ઉપ મેશ્વો નદીને કાંઠે ભીલોડા ગામ પાસે શામળાજીનું સ્થાન છે. આ સ્થાન ઈડર સંસ્થાનનાં જોવા યોગ્ય સ્થાનો માંનું એક છે.મહીકાંઠા અને મેવાડની સરહદ ઉપર શામળાજીનું સ્થાન છે. શામળાજી એ દશા અને નીમા વાણિયાના ઇષ્ટદેવ છે. અહીં બીજું કાંઈ નથી,તીર્થસ્થાનને અંગે સોએક માણસની વસ્તી હશે,પણ આસપાસનાં ખંડેરો જોતાં એક કાળે આ મોટું તીર્થસ્થાન હશે એમ લાગે છે. સ્થળ ઝાડીવાળું અને રમણીય છે. અત્યારે મુખ્ય મંદિર શામળાજીનું મનાય છે. આ મંદિર 400 વર્ષનું જૂનું છે, એમ ગેઝેટિયરમાં કહ્યું છે, પમ કદાચ વધારે જૂનુયે હોય.પદ્મપુરાણામાં આ તીર્થની નોંધ છે. મંદિર બે માળનું છે. ગર્ભગૃહ ઉપર શિખર છે અને મંડપના થાંભલાઓ ઉપર અને બીજે પણ પુષ્કળ કોતરમકામ છે.મંદિરને ફરતો કોટ છે. અને કોટના દરવાજા આગળ બેય બાજુ બે મોટા હાથીઓ ઊભા છે. જૈનો આ મંદિર જૈનનું હતું એમ કહે છે અને મંદિરના જૂના ભાગ ઉપરના કારીગારી જૈનોના દાવાને ટેકો આપે છે એમ મહીકાંઠા ગેઝેટિયરના લેખકો કહે છે. મંદિરમાં બે ઉત્કીર્ણ લેખો છે. એમાંના ઉપલા માળના લેખમાં ઈ.સ. 94 તથા ઈ.સ. 102ની સાલો છે, પણ એ લેખના અક્ષરો એ વખતના નથી. બીજો લેખ મંદિરના દરવાજામાં ત્રાંબા ઉપર છે. એમાં ઇ.સ. 1762માં થયેલ જીર્ણોદ્ધારની નોંધ છે. આ બે લેખો ઉપરથી આ મંદિર શામળાજી એટલે કૃષ્ણ ભગવાનનું નહિ, પણ ગદાધર એટલે બળદેવજીનું જણાય છે,છતાં અત્યારે શામળાજીનું કેમ કહેવાય છે અને હાલની કૃષ્ણની મૂર્તિ કયાંથી આવી?આ મુખ્ય મંદિરની આસપાસ અનેક જૂનાં મંદિરોનાં ખંડેરો છે,તેમાંનાં ત્રણ જોવા જેવા છે.એક જૂનું શામળાજીનું છે.એ જૂનું કહેવાય છે,પણ વસ્તુત : મુખ્ય મંદિર જેટલું જૂનું નથી. આ સ્થિતિ ઉપરથી તર્ક એવો થાય છે કે મુખ્ય મંદિર મૂળ જૈનનું સ્થાન હશે,પછી ત્યાં વૈષ્ણવોનું જોર થતાં મુખ્ય મંદિર ગદાધરજીનું થયું.પાછળ થી કૃષ્ણનું મંદિર જીર્ણ થઈ જતાં એમાંની મૂર્તિ ગદાધરજીના મંદિરમાં પધરાવી હોય એ સંભવિત છે. આ એક કલ્પના છે, ખરેખર શું બન્યું હશે એ કલ્પી શકાતું નથી. બીજાં બે મંદિરોમાં એક સોગ્ગાનારાયણનું છે. આ મંદિરની બાંધણી અને એની સ્થાપત્યકળા જોવા યોગ્ય છે,અને બાંધણી ઉપરથી આ પ્રદેશનું સૌથી જૂનું મંદિર આ હોવાનો સંભવ લાગે છે.ઇ.સ.બારમા-તેરમાં શતકમાં પશ્વિમ હિંદમાં આ જાતનાં પદ્મનારાયણ, ગોગ્ગાનારાયણ,વીરનારાયણ વગેરે નામથી વિષ્ણુનાં તથા બળદેવનાં મંદિરો બંધાયાં હોવાના પુરાવા મળે છે. એટલે આ સ્થળે પહેલું મંદિર સોમનારાયણ બારમા-તોરમા શતકમાં ઈડર પરમારોના હાથમાં હતું એ વખતે બંધાયું હોવાનો સંભવ છે. આ ઉપરાંત અહીં મહાદેવનું મંદિર છે તે ભોંયરામાં છે. આ સિવાય બાકી તદ્દન ખંડેરો છે.મુખ્ય મંદિર પાસે મેશ્વો નદીમાં મોટો ઘૂનો છે,તેમાં કાર્તિક સુદ 14ને રોજ નાહવાથી ભૂતનો વળગાડ હોય તો છૂટી જાય એમ મનાય છે. કાર્તિક સુદ પૂનમે આ સ્થળે મોટો મેળો ભરાય છે. ઈડર :- અહીં ઈડર વિષે થોડી હકીકત અસ્થાને નહિ ગણાય.ઈડર સંસ્થાન મહીકાંઠા એજન્સીનું એક મુખ્ય રજપૂત સંસ્થાન છે. એની ઉત્તરમાં શિરોહી અને ઉદેપુરની હદ છે. પૂર્વમાં ડુંગરપુરની અને દક્ષિણમાં તથા પશ્વિમમાં મુંબઈ ઈલાકાની અને ગાયકવાડની હદ છે. દક્ષિણ-પશ્વિમમાં થોડો પ્રદેશ સપાટ અને રેતાળ છે,પણ બાકીનો પ્રદેશ ડુંગરાળ અને ઝાડીઓથી ભરેલો છે. ઈડર સંસ્થાન માંથી ચાર નદીઓ સાબરમતી,હાથમતી,મેશ્વો અને વાત્રક પસાર થાય છે.ભાટોની દંતકથા પ્રમાણે ઈડર સંસ્થાનની સ્થાપના ગુહિલોએ કરી છે.ગુહિલો તો પહેલાં ઈડરના ધણી હતા અને ત્યાંથી મેવાડ ગયા એમ મનાય છે. ગુહિલો ગયા પછી ઈડરમાં ભીલોની સત્તા થઈ.ખરી રીતે આ પ્રદેશમાં કોળી ને ભીલોની વસ્તી ઘણી છે અને જૂના કાળમાં ભીલોની જ સત્તા હોય એ સ્વભાવિક છે.ભીલોના હાથમાંથી પરમારોએ ઈડર લીધું. ઈ.સ.1000 થી 1200 સુધી પરમારોની સત્તા રહી. પરમારોએ બીજે પમ વૈષ્ણવ મંદિરો ઊભાં કર્યાં. છે. એ જોતાં શામળાજીનું સ્થાન- મૂળ કદાચ સોમનારાયણનું મંદિર- પરમારોના પાછલા વખતમાં પ્રસિદ્ધ થયું હોય તો એ સંભવિત છે. છેલ્લા પરમાર અમરસિંહે મરતી વખતે પોતાના પ્રીતિ પાત્ર હાથી સોડ નામના કોળીના હાથમાં રાજયની લગામ સોંપેલી અને એના પછી એનો પુત્ર શામળિયો સોડ ગાદીએ બેઠો. આ કોળી રાજા બહુ જુલમી હતો એટલે એની વિરુદ્ધ એની મંત્રીઓએ કાવતરું કરીને સામેત્રાના રાવ સોનંગને બોલાવ્યા અને આ રાવને હાથે શામળિયો સોડ મરાયો. આ બનાવ કયારે બન્યો તેની ચોક્કસ તારીખ મળતી નથી,પણ મને એક કલ્પના આવે છે,આ શામળિયાએ કોઈ મંદિર શામળાજીના સ્થાનમાં બંધાવ્યું હોય અને ત્યારથી એ સ્થાન શામળિયાજીને નામે ઓળખાયું હોય એમ તો નહિ બન્યું હોય ?પછી શામળિયાનો બીજો અર્થ ન બેસવાની લોકોએ કૃષ્ણનો અર્થ કર્યો. આ રાવની બાર પેઢીએ ઈડરમાં રાજય કર્યું એમ કહેવાય છે અને એ વંશના છેલ્લા જગન્નાથને ગુજરાતના સૂબા મુરાદબક્ષે ઈ.સ.1656માં માર્યો અને ઈડરની હકૂમત દેસાઈને સોંપી. પછી ઈ.સ. 1728માં જોધપુરના આનંદસંહ અને રાયસંહ નામના બે રાઠોડ ભાયાતો એ ઈડરનો કબજો લીધો અને ત્યાં રાજય કરવા માંડયું, પણ દેસાઈની ખટપટથી ગાયકવાડે તથા પેશ્વાએ ઈડરના સૂબા રાઠોડેને સુખે બેસવા ન દીધા, છેવટ બ્રિટીશ રાજયે ઈ.સ. 1848માં ઈડરને થાળે પાડયું. અત્યારના ઈડરના રાજા આ રાઠોડવેશના છે. ઈડર સંસ્થાનમાં અત્યારે પોણા બે લાખ જેટલી વસ્તી હશે અને 884 ગામ છે. |