(ભારત ભરનું પારસી ઓનું મોટામાં મોટું તીર્થસ્થાન) આપણે જોયું કે આશરે એક હજાર વર્ષ કરતા પણ પહેલા ઈરાનથી પોતાનો ધર્મ બચાવવા માટે ત્યાંથી નાસી છુટેલા પારસીઓને ગુજરાતમાં સંજાણના રાણાએ પોતાના રાજ્યમાં વસવાટ કરવા માટે પરવાનગી આપી. આ ઘટના ઉપરથી પોતાનો દેશ, પોતાના ઘરબાર અને માલમિલ્કત મૂકીને આવેલા પારસી ઓને પોતાનો ધર્મ કેટલો વહાલો હશે તેનો આપણને બરાબર ખ્યાલ આવી જાય છે. રાણાની પરવાનગી મળતા દસ્તૂરે રાણાનો ઘણો મોટો આભાર માન્યો. સંજાણ પાસે આવેલા ઉદવાડ ગામમાં તેમણે એક કાચી પાકી અગિયારી બાંધી,અગિયારી એટલે પારસીઓનું ધર્મસ્થાન જેમ હિન્દુઓનું મંદિર હોય છે મુસ્લિમોનું મસ્જિદ હોય છે તેમ તેમનું અગિયારી હોય છે. તે નાની અને કાચી અગિયારી આજે તો મોટી ભવ્ય ઈમારત બની ગઈ છે. ઈરાનથી તેઓ જ્યારે સંજાણ ઉતર્યા ત્યારે તેઓ પોતાની સાથે પવિત્ર અગ્નિ લાવ્યા હતાં. જે આતશે બહેરામ તરીકે ઓળખાય છે.માટે પારસીઓ અગ્નિપૂજક છે એવું માનવામાં આવે છે. અને આમ જોવા જઈએ તો હજ્જારો વર્ષ પહેલા ભારતમાં આવેલા પારસીઓ પહેલાના આર્યો પણ આ જ રીતે કુદરતના આ અદભૂત ભવ્ય તત્વોની જ પૂજા કરતા હતાં. અગ્નિ, વાયું, જળ,અને આકાશ,પારસીઓના ધર્મ અને વૈદિક ધર્મમાં ઘણું સામ્ય છે. ઉદવાડ – આમ એકાદ હજાર વર્ષથી દેશનું સૌથી મોટુ પારસી તીર્થ છે. દેશ ભરમાંથી અહીં પારસીઓ યાત્રાએ આવે છે. ઉદવાડ ની આ અગિયારીમાં આતશે બહેરામ ની અખંડ જ્યોતિ સદાયે (આજેય) જલતી રહે છે. જાણે કે ધર્મપ્રેમી પારસીઓની હૃદયમાં શ્રદ્ધાદીપ ! સંજાણના રાણાએ,પારસીઓના વડા દસ્તૂરને વચન આપ્યું હતું કે તમારી પ્રજામાં અમે દૂધમાં સાકર ભળી જાય તેમ ભળી જઈશું, તે વચન તો તેમણે એકદમ ઈમાનદારી તેમજ ખૂબ સારી રીતે તથા સચ્ચાઈ પૂર્વક સાચું કરી બતાવ્યું. માટે તો પારસીઓ અત્યારે ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર ભારતની પ્રજામાં ઓતપ્રોત થઈ ગયાં. એવું ભારતમાં કદાચ એકેય ક્ષેત્ર નહિ હોય કે જેમાં પારસીઓનું પ્રદાન ન હોય. સાહિત્યમાં કવિ ખબરદાસ,ઉદ્યોદમાં જમશેદજી તાતા,વિજ્ઞાનમાં ડો. હોમી ભાભા, રાજકારણમાં દાદાભાઈ નવરોજી,ચિત્રકળામાં શ્યાવક્ષ ચાવડા,વકીલાતમાં નાની પાલખીવાળા વગેરે વગેરે અનેક લાંબા નામોની યાદી થાય તેટલા નામો છે,જેમણે ભારતમાં પોતાનું યોગદાન આપ્યું છે અને હાલમાં પણ આપી રહ્યા છે. |