
પાંચસો વર્ષ જેટલું પ્રાચીન સૂરતનું સુરત શેહરથી દસ કિલોમીટર દૂર આવેલ તથા આસપાસનાં અન્ય ગામોની મધ્યમાં પવિત્ર મંદિર આવેલું છે,જે ઉત્તર દિશાએ આવેલ કોસાડ ગામમાં છે.આ મંદિર ઐતિહાસિક 500 વર્ષ પહેલાનું દેવાધિદેવ મહાદેવ “ વેણીનાથ મહાદેવ ’’ નું મંદિર છે. 500 વર્ષ પહેલાં કોસાડ ગામમાં દેસાઈ જ્ઞાતિથી પ્રજા રહેતી હતી. તે વખતના સમયમાં કોસાડ ગામની વસ્તી ખૂબ જ અલ્પ પ્રમાણમાં હતી.તે વખતે આ મંદિરની પૂજા વિધિ હિન્દુઓ ધાર્મિક પરંપરાગત રીતે કરી લેતા હતા. કોસાડ ગામમાં તે વખતે આ મંદિરની કોઈને જાણ નહોતી. આ ગામના ભાવિ ભક્તોએ વેણીનાથ મહાદેવ મંદિરને વ્યવસ્થિત રીતે બનાવી નવું સોપાન સર કર્યું છે.વર્ષો પહેલાં આ ગામ જંગલ જેવું હતું.અહીંના ભાવિ ભક્તોએ આ કોસાડ ગામની કાયાપલટ કરી જંગલમાં મંગલ કર્યું છે. ઘણાં વર્ષો પહેલાંના આ વેણીનાથ મહાદેવ મંદિરની સામે એક કૂવો આવેલો છે. આ જ ગામના ભાવિક ભક્તો સવાર-સાંજ કૂવામાંથી પીવાનું પાણી કાઢવા આવતા હતા.ત્યારે ભાવિક ભક્તોએ કૂવામાંથી દેસાઈ જ્ઞાતિનાં કુળદેવી કૌશિક માતાની મૂર્તિ બહાર કાઢી હતી. જેની વેણીનાથ મહાદેવના મંદિરના પ્રતિષ્ઠા કરવામાં આવી છે.તે વખતના સ્વર્ગવાસી દાનવીર ડાહ્યાભાઈએ આ મંદિરના લાભાર્થે રામાયણ કથા,ધાર્મિક કાર્યો,શિબિરો, મહોત્સવો,કરાવ્યા હતા. તેમણે આ માટે એક વીઘા જમીન દાનમાં આપી હતી. આ મંદિરમાં શ્રી ગણેશજી, શ્રી હનુમાનજી, કુળદેવી કૌશિક માતા, વેણીનાથ મહાદેવ, નંદી અને પોઠીયાની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ મંદિર જૂનું હોઈ તેનું માહાત્મ્ય ખૂબ છે. શ્રાવણ માસમાં મેળો ભરાય છે. મંદિર મોટું વિશાળ છે. મંદિરના વિકાસ માટે રચાયેલા ટ્રસ્ટે મંદિરની આજુબાજુ રહેવાની વ્યવસ્થા કરવાનું કામ શરૂ કર્યું છે. આમ સુરત ગામની પાસે આવેલું આ મંદિર યાત્રા સ્થળ અને પ્રવાસ સ્થળ બંને બની ગયું છે. શ્રી જડેશ્વર મહાદેવ પાંડવોના રચના આકારનું શિવમંદિર “ જડીયો વસે જંગલમાં વસે ઘોડાનો દાતાર ત્રુઠયો રાવળ જામને જેણે હાંકી કીધો હાલાર” વાંકાનેરથી 10 કિ.મી. દૂર વડસરના તળાવથી આગળ આવેલા ડુંગરાઓ (રતન ટેકરી) ની ટોચ ઉપર સૌરાષ્ટ્રનુ સુપ્રસિદ્ધ યાત્રાધામ સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર છે. તેનો આકાર પાંડવોના રથ જેવો છે. આજુબાજુમાં જંગલ વિસ્તાર છે.સારો વરસાદ થઈ જતા આ ડુંગરાઓ પર ઘાસ ઊગવાને કારણે લીલાંછમ બન્યા છે,જેના કારણે નયન- રમ્ય દ્દશ્ય જોવા મળે છે,ભારે કુદરતી વાતાવરણ સર્જાયું છે. જડેશ્વર પહોંચતા પહેલાં વાંકાનેર રાજવીએ બનાવેલું વડસર તળાવ આવે છે. આ તળાવ ડુંગરોની વચ્ચે આવેલ છે તેથી તેને કુદરતી તળાવ ગણાવી શકાય તેવું છે. આ તળાવ પાસે ઘણાં ફિલ્મ શૂટિંગ પણ થયાં છે.આ તળાવથી થોડે જ દૂર ડુંગરાઓ પર શ્રી જડેશ્વર દાદાનું મંદિર આવેલું છે.દર શ્રાવણ માસના બીજા સોમવારે અહીં જડેશ્વર દાદાનો વરઘોડો નીકળે છે. તેમ જ તે જ દિવસે લોકમેળાનું આયોજન કરાય છે. જેમાં વાંકાનેર, મોરબી, રાજકોટ, ટંકારા, પડધરી,વગેરે શહેરો,ગામડાંઓ તેમ જ સૌરાષ્ટ્રભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડે છે અને મેળાની રંગત ઓર જામે છે. જડેશ્વર દાદાના ધામમાં મોટા પ્રમાણમાં રહેવાની વ્યવસ્થા હોવાથી અનેક બ્રાહ્મણો સમગ્ર શ્રાવણ માસ અહીં રહીને જડેશ્વર દાદાની પૂજા માટે સમય ગાળે છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં લઘુરુદ્ર કરાવે છે. રાત્રે ભગવાનની આરતી થાય ત્યારે આરતીના ઝાલરના રણકારે જંગલમાં મંગલનું વાતાવરણ સર્જાય છે,બાજુમાં થોડ દૂર ચાલીએ ત્યાં નાના જડેશ્વરની જગ્યા આવેલી છે,ત્યાં બ્રાહ્મણો વાસ કરી દાદાની પૂજા આરાધના કરે છે. દરરોજ કોઈ ને કોઈ દાતા દ્વારા ભંડારાનું આયોજન થાય છે અને પ્રસાદમાં શુદ્ધ ઘીના લાડું પીરસાય છે.જડેશ્વર મહાદેવ અને નાના જડેશ્વર મહાદેવની જગ્યાનું આ રમણીય સ્થળ કાશ્મીરનો ભાસ કરાવે છે.જડેશ્વરનું મંદિર પાંડવોના રથ જેવા આકારનું છે. જે તેની ભવ્યતાની અને પ્રાચીનતાની ઝાંખી કરાવે છે. શ્રી ઝરિયા મહાદેવ જેમના પર નૈસર્ગિક રીતે અવિરત અભિષેક થતો રહે છે તે. ગુફાનિવાસી સુરેન્દ્નનગર જિલ્લામાં આવેલું આશરે પંદર હજરની વસ્તી ધરાવતું ચોટીલા ગામ આજુબાજુમાં ગામડાંઓમાં “ પાંચાળ”તરીકે પ્રખ્યાત છે. આના વિષે એક કાઠિયાવાડી દુહો પણ છે કે, “ ખડ, પાણીને ખાખરા, પાણીનો નહીં પાર, વગર દીવે વાળુ કરે ઈ દેવકો નર પાંચાળ” ચોટીલા,થાન,તરણેતર,અવલીયા ઠાકર,બાંડીયાબેલી,સુરજદેવળ,ભામોરા, આણંદપુરા,ચોબારી,ઝીંઝુડા વગેરે તેની ભોંયરાઓ,ગુફાઓ કે સંત-સતીઓ માટે આ વિસ્તારમાં જાણીતા છે.આવું જ એક મંદિર એટલે ઝરિયા મહાદેવ.આ ઝરિયા મહાદેવ ચોટીલાથી આશરે 14 કિ.મી. દૂર આવેલું છે. સાવ નિર્જન વગડામાં આ ઝરિયા મહાદેવનું મંદિર કુદરતી ગુફામાં આવેલું છે અને ગુફાની ઉપરથી સતત બારેય મહિના અને ચોવીસે કલાક શિવલિંગ ઉપરથી પાણી ઝરતું હોવાથી આ મહાદેવનું ના ઝરિયા મહાદેવ પડયું.ગુફા અંદર શિવલિંગ સામે પાણીનો એક નાનો કુંડ છે. આ કુંડમાં શિવલિંગ ઉપરથી ઝેરલું પાણી એકઠું થાય છે. લોકો તેને ચરણામૃત તરીકે પીવે છે. આ પાણી ખૂબ જ કઠણ અને મીઠું હોય છે. થોડાં વરસો પહેલાં સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ઉપરા ઉપરી ત્રણ ત્રણ દુષ્કાળોમાં પણ શિવલિંગ ઉપરથી તો પાણી ઝરવાનું ચાલુ જ હતું- કહેવાય છે કે આ પાણી ડુંગરાઓમાં થઈને ગુફામાં આવે છે. દર શ્રાવણ માસે શ્રદ્ધાળુ ઓનો મોટો માનવ મહેરામણ અહીં ઊભરાય છે. લોકો રાજકોટ, અમદાવાદ વગેરે સ્થળોએથી દરરોજ બપોરે 12 વાગ્યે એસ.ટી. બસ દ્વારા ઝરિયા મહાદેવ જાય છે જે ત્યાં 13 કલાક રહી પરત ચોટીલા આવે છે. એક લોકમાન્યતા એવી છે કે વર્ષો અગાઉ આ સ્થળે અત્રીમુનિનો આશ્રમ હતો. બ્રહ્મા,વિષ્ણુ,મહેશ અત્રીમુનિના પત્નીની પરીક્ષા કરવા આશ્રમે બાળ સ્વરૂપે જમવા આવેલ. આ ત્રણેય દેવોની મૂર્તિ તસવીરમાં દેખાય છે. મહાદેવની ગુફાની બાજુમાં જ એક મોટી ખુલ્લી ગુફા છે. જેમાં ઝરિયા મહાદેવના પૂજારી રહે છે.આ જ ગુફાની બાજુમાં એક લાંબુ ખૂબ જ અંધારું વિશાળ ભોંયરું પણ છે,જેમાં મહાકાલી માતાજીની મૂર્તિ સ્થપાયેલ છે.સાંજના સમયે ઝરિયા મહાદેવના શિવલિંગ વાળી ગુફા ખૂબ જ દેદીપ્યમાન લાગે છે. ચારે બાજુ લીલાં વૃક્ષો, રંગબેરંગી સુવાસિત ફૂલો, ચારે બાજુ હરિયાળી,કોઈ મહાન ઋષિમુનિ ધ્યાન કરવા બેઠા હોય તેવા મોટા મોટા ડુંગરાઓ વાતાવરણને એકદમ પ્રફુલ્લિત કરી નાંખે છે. પોતાના માળા તરફ પ્રયાણ કરતાં ચહેકતાં પક્ષીઓનો મીઠો કલરવ સાંભળનારાના કાનમાં જાણે કનૈયાની બાંસુરીના ઘેન ભરેલાં મીઠાં સૂરો ઘૂટે છે. ઝરિયા મહાદેવ,અવલિયા ઠાકર,સૂરજદેવળ,બાંડિયાબેલી આ સમગ્ર વિસ્તાર માંડવ તરીકે અહીં ઓળખાય છે.આ જગ્યાએ અનેક ગુપ્ત ભોંયરાઓ,ગુફાઓ છુપાયેલ છે. આવી જ એક ગુફા થોડા સમય પહેલાં અવલિયા ઠાકર પાસેથી મળી આવેલ જેમાંથી કોઈ ગુપ્ત લિપિમાં લખાયેલ શિલા લેખો મળી આવેલ. માંડલ વિસ્તારમાં આવી એક નહીં પરંતુ સેંકડો ગુફાઓ, ભોંયરાંઓ આમતેમ પડયા છે. |